વેદના
(કવિતા)
-
હરિભાઇ ડી. પટેલ “નાશાદ”
ધડીક સુખને છાંયે બેસતા,
ધડીક દુ:ખને તાપે તપતા,
થોડુંક હસતા, થોડુંક રડતા,
પડતા, પાછા
ઊભા થાતા !
નિત સવારે વહેલા ઉઠતા,
ટાઢા પાણીએ ના’તા,
બળબળતી બપોરે પણ
લીંમડો બની
જાતા !
બળદ ને હળ-ગાડું લઇને
ખેતર વાડીએ જાતા,
પાતાળનાં પાણી ઉલેચી
ઢાળિયે વહેતાં
કરતા.
સાંજવેળાએ ગામને ચોતરે
ભાઇબંધો ભેગા
થાતા,
છોડી દુ:ખનાં પોટલાં, સહુ
ગોઠડી ગમતી કરતા
!
આવકારો તો હૈયે વસતો,
અનાથને આશરો આપતા,
અતિથિ આવે આંગણે તો
ઇશ્વર આવ્યો
માનતા !
ક્યાં ગયાં એ ખોરડાં ને
ક્યાં ગયાં એ
લોકો ?
માટી મઢેલ મઢૂલીમાં ય
રાજ-ઠાઠથી રહેતા !
No comments:
Post a Comment