ભર્યા ખેતરે
(કાવ્ય)
-રામજી પટેલ
ભર્યા ખેતરે ફર્યા સવારે
બપોરના અટવાયા,
ખાલીપો લઇ ગયા સીમમાં
ખુદ અમે છલકાયા.
આકળવિકળ ઝાકળીયું ને ફરતે તડકાવાડ,
પંખી બોલે એકલવાયું અને સાંભળે ઝાડ.
ઝાડ મ્હોરવા લાગ્યાં ને
મન વેલાને અથડાયા,
ભર્યા ખેતરે ફર્યા સવારે
બપોરના અટવાયા.
અડખે પડખે આવળ બાવળ તડકા છાયા ચાલે,
ચાંદરણાં વીણવાની પળને કોઇ અજાણ્યું સાલે.
મનની ભીતર ભેદ હતા ને
ભારી ને ભરમાયા,
ભર્યા ખેતરે ફર્યા સવારે
બપોરના અટવાયા.
શરમાવાનું સહજ થયું ત્યાં વળગી માટી મ્હેંક,
ગોફણમાં વીંઝાતો વગડો વરણાગી તું ફેક.
ચોમાસાની મ્હેંક શ્વાસમાં
પીંછું થૈ મલકાયા,
ભર્યા ખેતરે ફર્યા સવારે
બપોરના અટવાયા.
-----------------------------------------
બી-૬૫,શીતલનાથ,પ્રભુ સોસયટી,
કઠવાડા રોડ,નરોડા,અમદાવાદ
કઠવાડા રોડ,નરોડા,અમદાવાદ
No comments:
Post a Comment